[1]અશ્રુ જેવાં ફૂલ ખીલે આંખની આ ડાળ પર
થાક ખાવા રોજ બેસે પાંપણોની પાળ પર
બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી
ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર
કોઈ પૂછે ભૂલથી ગીતો લખો છો પ્રેમના ?
જિંદગી આખી લખી દઉં પ્રેમ જેવા આળ પર
આભમાં પંખીડું ઘાયલ તીર ને ભાલા વિના,
તીર જેવી મેશ આંજીને તું બેઠી માળ પર
યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર
- કેતન કાનપરિયા
[2]શહેરમાં વરસાદ વરસ્યો રાતભર,
તોય લત્તો એક તરસ્યો રાતભર
ખળભળી ગઈ પાળ પાંપણની જરી,
ઓરડો આખોયે પલળ્યો રાતભર
ભર બજારે ભીડમાં કચરાઈ ને,
ઘેર ઘાયલ જીવ કણસ્યો રાતભર
જ્યાં હતો સાંજે, સવારે ત્યાં જ છે,
પગ ન જાણે ક્યાંક લપસ્યો રાતભર
નામ સરનામું નહીં યજમાનનુંને
મુસાફર વ્યર્થ રખડ્યો રાતભર
ગાઢ અંધારૂ અને ‘પૂજક’ હતા,
આગિયો એકાદ ઝબક્યો રાતભર.
- મૂળશંકર ‘પૂજક’
મનમા આનંદ લાવે તેવી ગઝલ
Posted by UDIT
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
NAVINPATEL9141@GMAIL.COM
*#ઉખાનો . ચાર અક્ષર નું બાપ નું નામ અને એક અક્ષર કાઢો તો છોકરા નું નામ અને બે અક્ષર કાઢો તો છોકરા ની માં નું નામ
Post a Comment